આ દુનિયામાં દરેક માણસ શ્રીમંત (પૈસાવાળો) બનવા ચાહે છે. જેની પાસે જીવન ચાલી શકે એટલા પૈસા
નથી એ પણ પૈસાવાળો થવા માંગે છે. જે પાસે જીવન સારી રીતે પસાર થઈ શકે એટલું ધન છે તે પણ વધુ પૈસાવાળો
થવા માંગે છે.
પૈસો જીવનની જરુરિયાત મટીને અનિવાર્યતા બની ગયો છે. અનિવાર્યતા મટીને સર્વસ્વ બની ગયો છે.
માણસ પૈસા માટે જીવે છે, ખાય છે, પીવે છે, સંબંધ બાંધે છે, તોડી નાંખે છે.
આ દુનિયામાં માણસોની બે જ કેટેગરી છે. યા તો તમે પૈસાવાળા છો યા તો તમે પૈસાવાળા નથી. પૈસાવાળા
છો તો તમારી કિંમત છે. પૈસા નથી તો તમારી કોઈ કિંમત નથી. પૈસો જીવન પર એટલો હાવી થઈ ગયો છે કે
માણસની કિંમત પણ પૈસાથી અંકાય છે. આશ્ચર્ય એ વાતનું છે કે- કેટલા પૈસા હોય તો માણસ પૈસાવાળો ગણાય?
એનું ચોક્કસ કોઈ માપ જ નથી.

તમે શ્રીમંત છો કે નહિ? એ કેવી રીતે જાણી શકાય?
એક ગણિતના શિક્ષકે પોતાના આઇઆઇટીના વિદ્યાર્થીઓને ત્રણ મસ્ત સવાલ પૂછ્યા.
પહેલા પ્રશ્ન પૂછ્યો : શૂન્ય એટલે શું?
બીજો પ્રશ્ન પૂછ્યો : અનંત એટલે શું?
ત્રીજો પ્રશ્ન પૂછ્યો : શું શૂન્ય અને અનંત એક સરખું મૂલ્ય ધરાવે છે? તમે ઝીરોને અને અનંત (Infinite)
સંખ્યાને સમાન કહી શકો?
આઈઆઈટીના વિદ્યાર્થી માટે આ પ્રશ્નના જવાબ આસાન હતા. તેમણે જવાબ આપ્યો.
“શૂન્ય એટલે કંઈ નહીં. અનંતનો અર્થ એવી સંખ્યા જેનાથી મોટી કોઈ સંખ્યા નથી અને શૂન્ય અને અનંત
કોઇ રીતે સમાન નથી એક બીજાના વિરોધી છે.”
શિક્ષક વિદ્યાર્થીઓને દલીલ આપી કે- “અનંતની વ્યાખ્યા મુજબ- એવી કઈ સંખ્યા છે જેનાથી મોટી કોઈ સંખ્યા ન હોય?”
વિદ્યાર્થીઓ પાસે આ દલીલનો જવાબ ન હતો.
શિક્ષકે આ દલીલનો સુંદર જવાબ આપ્યો. તેણે કહ્યું:
“કલ્પના કરો કે એક ભરવાડને ૨૦થી વધુ સંખ્યા આવડતી નથી. તે તેના ઘેટાંને કેવી રીતે ગણશે? તેના ઘેટાં વીસની અંદર હશે તો વાંધો નહીં આવે, પણ વીસથી વધી જશે તો એ શું કરશે?”
વિદ્યાર્થીઓએ કહ્યું:
“તે કહેશે, ‘મારી પાસે ઘણાં બધાં ઘેટાં છે.’”
શિક્ષકે પૂછ્યું:
“આ ‘ઘણાં બધાં’નો અર્થ શું?”
વિદ્યાર્થીઓ પાસે જવાબ ન હતો.
શિક્ષકે અનંત અને શૂન્યની વ્યાખ્યા સમજાવી. તેણે કહ્યું:
“અનંતનો અર્થ આપણે બધા ‘ન ગણી શકાય’ તે કરીએ છીએ, પણ તે અર્થ અધૂરો છે. અનંત એટલે આપણને જે ગણતરી કરતાં આવડે છે તેનાથી મોટી સંખ્યા.
શૂન્યનો અર્થ આપણે કરીએ છીએ ‘કંઈ જ નહીં’. આ પણ અધૂરો અર્થ છે. શૂન્ય એટલે આપણને ગણતરી કરતાં આવડે છે તેથી ઘણી નાની સંખ્યા.
શૂન્ય અને અનંત સંખ્યાની વ્યાખ્યાઓ સાપેક્ષ છે.”
ઉદાહરણ તરીકે, પૃથ્વી અને સૂર્યમાળાના અંતરની સરખામણીમાં પૃથ્વીનો પરિઘ કેટલો છે? એમ કોઈ પૂછે તો જવાબ એમ જ મળે કે સૂર્યમાળાની સરખામણીમાં પૃથ્વીનો પરિઘ નહીં જેવો છે, એટલે કે શૂન્ય સમાન છે — ઘણો જ નાનો છે.
એ જ પૃથ્વીના પરિઘને ચણાની દાળના પરિઘની સરખામણીમાં માપીએ તો તે ઘણો મોટો એટલે કે અનંત કહી શકાય.
આ જ પ્રમાણે શૂન્ય અને અનંત સંખ્યા સાપેક્ષ છે. તમે કોની સાથે સરખામણી કરો છો તેના આધારે જ તે શૂન્ય (ઘણું નાનું) કે અનંત (ઘણું મોટું) નક્કી થાય છે.
શ્રીમંતાઈ અને ગરીબીની સરખામણી પણ શૂન્ય અને અનંત સંખ્યા જેવી જ સાપેક્ષ છે.
તમે શ્રીમંત છો કે નહીં, તે તમે કોની સાથે સરખામણી કરો છો તેના પર આધાર રાખે છે. લખપતિ માણસ અબજપતિની સરખામણીએ ગરીબ કહેવાશે, અને જેની પાસે થોડાં રૂપિયા જ જમા છે તેની અપેક્ષાએ શ્રીમંત કહેવાશે.
આ સરખામણી તો બીજાની સાથે થઈ. પરંતુ તમારે તમારી જાતને શ્રીમંત ગણવી હોય તો કેવી રીતે ગણશો? તે માટે કોની સાથે સરખામણી કરશો?
જવાબ સરળ છે.
જો તમારી ઇચ્છાઓ તમારા પૈસા કરતાં વધારે છે, તો તમે ગરીબ છો. એટલે તમે તમારી જાતને ગરીબ માનશો.
તમારી ઇચ્છાઓ તમારી આવકની સરખામણીએ ઓછી હશે તો તમે શ્રીમંત હશો. તમારી ઇચ્છા સો રૂપિયાની છે અને તમને હજાર રૂપિયા મળે તો તમે શ્રીમંતાઈ અનુભવશો. પરંતુ તમારી ઇચ્છા લાખની હશે અને તમને હજાર મળે તો તમે તમારી જાતને ગરીબ માનશો.
વધુ પૈસા કમાઈ લેવાથી તમે શ્રીમંત બની જશો, એ તમારી ભ્રમણા છે.
તમે શ્રીમંત ત્યારે બનશો જ્યારે તમારી આવકની સરખામણીમાં તમારી ઇચ્છાઓને ઘટાડશો. જે ક્ષણે તમે તમારી ઇચ્છાઓ ઘટાડી દેશો, એ જ ક્ષણે તમે વિશ્વના સૌથી શ્રીમંત માણસ હોવાનો અહેસાસ કરી શકશો.


શ્રીમંત હોવું અને શ્રીમંત હોવાનો અહેસાસ હોવો — આ બંને ભિન્ન બાબતો છે.
એ જ રીતે ગરીબ હોવું અને ગરીબ હોવાનો અહેસાસ હોવો — એ પણ બે જુદી બાબતો છે.
શ્રીમંત હોવું કે ગરીબ હોવું એ ઘટના છે. ઘટના તમારી મહેનત, પુણ્ય અને સંયોગના આધારે આકાર લે છે.
પરંતુ શ્રીમંત કે ગરીબ હોવાનો અહેસાસ એ અનુભવ છે. અનુભવ તમારા અભિપ્રાય અને અભિગમને આધારે આકાર લે છે. તમારી લાગણીઓનો તેમાં બહુ મોટો ફાળો હોય છે.
તમને લાખ રૂપિયા મળી જાય, પણ તમારી અપેક્ષા દસ લાખની હોય તો લાખ રૂપિયાની શ્રીમંતાઈ મળ્યા પછી પણ તમને ગરીબીનો અહેસાસ થશે.
તમે તમારી સરખામણી સતત બીજા સાથે કરતા રહેશો અને તમારો અભિગમ તમારા વિષે નકારાત્મક હશે, તો તમે શ્રીમંત હોવા છતાં ગરીબીનો અનુભવ કરશો.
શ્રીમંત કે ગરીબ હોવાની ઘટના તમારાં અપેક્ષિત સુખ-દુઃખની સામગ્રીમાં વધારો કે ઘટાડો કરી શકે છે.
તમે બહુ પૈસા કમાઈ લેશો તો સાધનો ખરીદી શકશો, સુવિધાઓ વધારી શકશો; પરંતુ એથી તમારું સુખ કે પ્રસન્નતા વધશે જ તેની કોઈ ખાતરી નથી.
જ્યારે શ્રીમંત કે ગરીબ હોવાનો અહેસાસ તમારી સુખ-દુઃખની લાગણીમાં સીધો વધારો કે ઘટાડો કરે છે.
તમે તમારી આર્થિક સ્થિતિથી સંતુષ્ટ હશો તો સુખનો અનુભવ કરી શકશો. જે ક્ષણે તમને તમારી આવક ઓછી લાગશે, તે જ ક્ષણથી તમારી પ્રસન્નતા ઓછી થવા લાગશે.
આ કેવળ ધાર્મિક વાત નથી. આર્થિક ક્ષેત્રના અને સમાજશાસ્ત્રના જાણકારો પણ આ જ વાત કહે છે.

