સ્વનું હિત, સહુનું હિત – ભારતીય સંસ્કૃતિનો કેંદ્રવર્તી વિચાર

વિચાર ચેતનાનો આવિષ્કાર છે. વિચાર વ્યક્તિને ઘડે છે. તેમ સમાજ પણ ઘડે છે. સંસ્કૃતિ આચારથી ઓળખાય છે પણ ઘડાય છે વિચારથી. વિચાર દ્વારા ઘડતરની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. વિચાર પ્રયોગની પ્રેરણા આપે છે. પ્રયોગ દ્વારા મૂલ્યો નિશ્ચિત થાય છે. વ્યક્તિગત મૂલ્યો જ્યારે સમષ્ટિગત બને ત્યારે જે નિષ્પન્ન થાય તે સંસ્કૃતિ. અથર્વ વેદના પ્રસિદ્ધ સૂક્ત ‘आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः’ માં વિચારને ક્રતુ સમાન ગણવામાં આવ્યો છે. વિચારની શક્તિ યજ્ઞ જેટલી છે અને એટલે જ ચારે બાજુથી સારા વિચારની .અભિપ્સા સેવવામાં આવી છે

વિચાર – સંસ્કૃતિનું મૂળ બીજ

દરેક સંસ્કૃતિનો પોતાનો કેંદ્રવર્તિ વિચાર હોય છે આ વિચાર વિચારરૂપે ન દેખાતો હોય તો પણ તે સંસ્કૃતિની દરેક બાબતોમાં પ્રાણશક્તિની જેમ વ્યાપેલો હોય છે. આ વિચાર વૃક્ષના બીજ જેવો છે. તે બીજ રૂપે દેખાતો નથી છતાં પણ તેના પ્રત્યેક કણમાં પ્રાણશક્તિ રૂપે વહેતો હોય છે. આ વિચાર જ પ્રજાનું માનસ ઘડે છે અને માનસ સંસ્કૃતિને અને ઇતિહાસને પ્રભાવિત કરે છે. નીતિ, રાજકારણ, ધર્મ, મર્યાદા, વ્યક્તિ-સમાજનો સંબંધ, પરસ્પર વ્યવહાર આ બધા વિષેના નિશ્ચિત સિદ્ધાંતો પુરોગામી આગેવાન પુરુષોએ નિશ્ચિત કર્યા હોય છે. સમાજના તમામ વ્યવહારો આ નિશ્ચિત ધોરણ પ્રમાણે પ્રવર્તતા હોય છે. આ વિદ્વાન પુરુષો આ જ સિદ્ધાંત કેમ ગ્રાહ્ય છે?બીજા કેમ ગ્રાહ્ય નથી? તેની મીમાંસા કરે છે. આ નિયમો છોડી દેવાથી કયા નુકસાન થાય છે તે પણ પ્રજાને સમજાવે છે.

જર્મનીમાં હિટલરની વિચારધારા

હિટલર એમ માનતો હતો કે માણસનું પરાક્રમ તેના વંશ પર આધારિત છે અને નોર્ડિક વંશનું લોહી શ્રેષ્ઠ છે, બાકીનું હીન છે. નોર્ડિક વંશનું લોહી બગડી ન જાય તે માટે નોર્ડિક વંશનો અન્ય સાથે વિવાહ ન થવો જોઇએ. સાથે જ એમ પણ માનતો કે લોકશાહી વિઘાતક છે, પ્રમુખશાહી જ શ્રેષ્ઠ છે. દરેક યુગમાં શ્રેષ્ઠ નેતા જન્મે છે. તેનું વર્ચસ્વ સ્વીકારી લેવામાં જ રાષ્ટ્રનું કલ્યાણ છે. આ બીજા વિશ્વયુદ્ધ સમયના જર્મનીનો કેંદ્રવર્તી વિચાર હતો.

રશિયાનો કેંદ્રવર્તિ વિચાર આનાથી સાવ સામા છેડાનો હતો. શ્રીમંત-ગરીબ, માલિક-નોકર, ઉચ્ચ-નીચ એવા વર્ગો સમાજને નુકસાન કરે છે. તેને નાબૂદ કરી વર્ગવિહીન સમાજથી જ માનવીની ઉન્નતિ થશે. આ રશિયાનો કેંદ્રવર્તી વિચાર હતો. તેમાંથી જ સામ્યવાદનો જન્મ થયો.

જેમ માણસની પોતાની એક વિચારધારા હોય છે તેમ રાષ્ટ્રની પણ એક વિચારધારા હોય છે. આ વિચારધારા જ રાષ્ટ્રનાં ભવિષ્યનું નિર્માણ કરે છે. વ્યક્તિગત રીતે માનવનો વિકાસ તેની નિષ્ઠા, કર્તવ્ય, નેતા, આર્થિક સ્થિતિ વગેરે પરિબળો પર આધાર રાખે છે. તેની સાથે રાષ્ટ્રનો વિચાર પણ ઘટક છે તે સ્વીકારવું જ પડશે.

હિત’નો સાચો અર્થ

ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. તેનો કેંદ્રવર્તિ વિચાર છે— સ્વનું હિત, સહુનું હિત. આ વિચારનાં ત્રણ ઘટક તત્ત્વો છે.

૧) હિત ૨) સર્વહિત ૩) સ્વહિત અને સર્વહિતનો સાપેક્ષ સંબંધ

અહિં હિત શબ્દની વ્યાખ્યા સ્પષ્ટ કરવી અગત્યની છે. સામાન્ય માનવી સુખ અને હિતની સમજણમાં અસ્પષ્ટ હોય છે. ગમે તે મેળવવું કે ભોગવવું તે સુખ છે. પણ આ પ્રક્રિયામાં સહુના વિચારને જોડવો, અંતિમ પરિણામને જોડવો અને જોડીને તેને અનુકૂળ ઉપાય યોજવો તે હિત છે. મિઠાઇ ભાવે છે માટે ખાઇ લેવી તે સુખ છે પણ મારી જેમ સહુને મિઠાઇ ભાવે છે તેનો વિચાર ‘હિત’ છે. મિઠાઇ ખાવાથી તબિયત પર શું અસર થતો તે વિચાર કરીને મિઠાઇ ખાવાનો – ન ખાવાનો નિર્ણય કરવો તે હિત છે.

બીજું તત્ત્વ છે—સર્વહિત. ભારતીય વિચાર પુરુષો જ્યારે સર્વહિતની વાત કરે છે ત્યારે તેમાં કેવળ પોતાનો પરિવાર, કોઇ જાતિ, કોઇ પ્રદેશ, કોઇ દેશની વાત નથી કરતા. તે સમગ્ર માનવ જાતિની વાત કરે છે. કેવળ માનવ જાતિની જ નહીં સમગ્ર પશુસૃષ્ટિની અને સમગ્ર જીવસૃષ્ટિની વાત કરે છે. જીવન જીવવામાં સહાયક બનતા પર્યાવરણ, વાતાવરણના હિતની પણ વાત કરે છે. જૈન ધર્મમાં આ માટેનું સુંદર સૂત્ર છે—परस्परोपग्रहो जीवानाम् (તત્ત્વાર્થ) જીવન પરસ્પરના ઉપગ્રહથી ચાલે છે.

(૩) સ્વહિત અને સર્વહિતને પરસ્પર સંબંધ છે. સ્વહિત અને સર્વહિત પરસ્પરના પૂરક છે. આ બંને એક બીજાથી નિરપેક્ષ બને તો વિઘાતક બની શકે છે. આ બંનેનું સામંજસ્ય જેટલું સ્વસ્થ સમાજ એટલો જ સ્વસ્થ રહે છે.

આધુનિક સમયમાં ભારતીય વિચારની પ્રાસંગિકતા

આ વિચારનું વ્યાવહારિક સ્વરૂપ ચાર પુરુષાર્થમૂલક જીવનવ્યવસ્થા છે. આ વ્યવસ્થા જીવન વ્યવસ્થાપનનાં (લાઇફ મેનેજમેંટ) સૂત્રો છે. જીવન અર્થ-કામ વિના ચાલતું નથી. પરંતુ દરેક વ્યક્તિ એક જ પ્રકારનું કર્મ કરે તો સર્વહિતમાં અવ્યવસ્થા સર્જાય તેથી અર્થ-કામનો વિચાર કરતા પહેલા પોતાનો ધર્મ વિચારવો. ધર્મ એટલે અહીં સ્વહિત. પોતાની પ્રતિભા, ફરજ, આદિનો વિચાર કરીને અર્થ-કામ નિશ્ચિત કરવા. માટે ધર્મ પ્રથમ છે. ધર્મ, અર્થ અને કામ વચ્ચે સામંજસ્ય જ જીવનને સુચારુ બનાવે છે. મહાભારતના શલ્ય પર્વમાં (૬૦/૨૧) કહ્યું છે.

धर्मार्थौ धर्मकामौ च कामार्थौ चाप्यपीडयन्। धर्मार्थकामान् योऽभ्येति सोऽत्यन्तं सुखमश्नुते॥

જે માણસ વાસના માટે ધર્મ અને અર્થને ધક્કો પહોંચાડતો નથી. અર્થ માટે ધર્મ અને કામને ભૂલી જતો નથી અને કેવલ ધર્મ માટે અર્થકામને ગૌણ કરતો નથી તે જ સુખ પામે છે.સ્વનું હિત, સહુનું હિત. આ વિચાર સમાજની ધારણાનો અને ઉત્કર્ષનો પોષક છે તે વર્તમાન રાષ્ટ્રને ગળે ઉતારવું જરૂરી છે. આ વિચાર જો ભૂલાઇ ન ગયો હોત તો રાષ્ટ્રનું અધઃપતન થયું ન હોત. (મુસ્લીમોએ ભયથી એ આ વિચારને ઉખેડવા પ્રયાસ કર્યો. તેઓ સફળ ન થયા. અંગ્રેજોએ લાલચથી બદલવા પ્રયાસ કર્યો તો તે સફળ થયા.) છેલ્લી સદીમાં વિસ્તરેલા મૂડીવાદ, ઉપભોક્તાવાદ, સામ્રાજ્યવાદની અસરને કારણે રાષ્ટ્રનો મૂળભૂત વિચાર વિસારે પડ્યો છે તે સમયમાં આ કેંદ્રવર્તી વિચારનો અભ્યાસ કરવામાં આવશે અને તેનું અવલંબન લેવામાં આવશે તો રાષ્ટ્ર સ્વયમેવ તેની માનસિક ગુલામીમાંથી બહાર આવશે અને વિશ્વનું સર્વોત્તમ રાષ્ટ્ર બની રહેશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *